નરસિંહ મહેતા

નરસિંહ મહેતા

 

ઉપનામ

 નરસૈયો, આદ્યકવિ, આદિકવિ

જન્મ

 આશરે – ૧૪૧૨/૧૪૧૪ – જૂનાગઢ

અવસાન

 આશરે – ૧૪૭૯/૧૪૮૦/૧૪૮૧

કુટુમ્બ

દાદા – વિષ્ણુદાસ કે પરસોત્તમદાસ

પિતા – કૃષ્ણદાસ કે કૃષ્ણદામોદર

માતા – દયાકોર

પત્ની – માણેક

પુત્ર – શામળદાસ (જન્મ સં. ૧૯૪૭ મૃત્યુ સં – ૧૫૦૭)

પુત્રવધુ – સુરસેના

પુત્રી – કુંવરબાઇ (જન્મ સં. ૧૪૯૫ લગ્ન સં – ૧૫૦૪)

કાકા – પર્વત મહેતા

ભાઇ – બંસીધર કે મંગળજી કે જીવણરામ

ભાભી – ઝવેર મહેતી

વ્યવસાય

 ભજનિક, આખ્યાનકાર

 

જીવન ઝરમર

  • ૧૫મી સદી દરમિયાન ભારતમાં જે ભક્તિ આંદોલનની શરુઆત થઇ તેનો રંગ ગુજરાતને લગાડનાર કવિ.
  • બાળપણમાં કદાચ મંદબુધ્ધિના હતા.
  • માતાપિતા નાનપણમાં જ ગુજરી જવાથી ભાઇ-ભાભીએ મોટા કર્યા હતાં.
  • દંતકથા મુજબ ભાભીએ મહેણું મારતાં  અંતર જાગૃતિ થઇ. મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યાં તથા સંવત ૧૪૮૭ના ચૈત્ર સુદ ૧૪ના રોજ એને કાવ્યપ્રસાદી આપી.
  • ગોકુળ, મથુરા વગેરે સ્થળોએ ફરીને આવીને તેમણે સંવત ૧૪૩૩-૩૫માં જૂનાગઢમાં રહી કીર્તનો રચવા માંડ્યાં.
  • તેમણે તુલસીક્યારા કર્તા હતા અને વૈરાગીઓને રહેવા માટે અખાડો પણ બંધાવ્યો હતો.
  • તેમના મંડળમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમની ચાર ભક્તસખીઓમાંથી એકનું નામ રતનબાઇ હતું.
  • પુત્રીના સીમંતના પ્રસંગે, દીકરાના લગ્નમાં અને હાર ચોરીના આળ વખતે ભગવાને તેમને મદદ કરી હોવાની કીવદંતિ છે.
  • તેમના પુત્રના વિવાહ વડનગરના પ્રધાન મદન મહેતાની પુત્રી સૂરસેના સાથે થયા હતાં.
  • તેમની પુત્રીના વિવાહ ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે થયા હતાં.
  •  નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઇ ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજ સુધારક કહી શકાય તેવા વિરલ વ્યક્તિ.
  •  સાવ દરિદ્ર હોવા છતાં અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની.
  •  પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલાઉત્તમ કવિ.
  •  તેમની અમુક રચનાઓની હસ્તપ્રત ‘ગુજરાતી પ્રેસ’ પાસે સંગ્રહીત છે.

 

રચનાઓ

સુરતસંગ્રામ,

હારમાળા,

 કૄષ્ણજન્મ વધાઇ,

 શ્રીકૃષ્ણવધાઇ, શ્રીકૃષ્ણવિહાર,

દ્વાદશમાસ,

રાસસહસ્ત્રપદી,

ચાતુરીછત્રીસી,

ગોવિંદગમન,

શામળશાનો વિવાહ,

ચાતુરીષોડશી,

બાળલીલા,

દાણલીલા,

રાસલીલા,

ઘડપણ વિશે વસંતવિલાસ,

શૄંગાર,

જ્ઞાન વૈરાગ્ય,

ભક્તિ, હીંડોળા,

નૃસિંહવિલાસ,

સુદામાચરિત્ર,

શૃંગારમાળા,

 હારમાળાનું પરિશિષ્ટ,

દ્રૌપદીની પ્રાર્થના,

મામેરું,

સત્યભામાનું રુસણું,

અંતરધાન સમયના પદ,

માનલીલા,

રુક્મિણીવિવાહ,

પ્રેમભક્તિ પદસંગ્રહ,

સહસ્ત્રપદીરાસ, શામળશાનો મોટો વિવાહ.

સન્માન

 ગુજરાતના ઘરઘરમાં ગુંજતા પદો,

ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં ‘નરસિંહ મહેતા’ એવોર્ડ  આપવામાં આવે છે

 

 

નરસૈંયો:ગુજરાતનો લાડકો ને માનીતો !
પાંચ અગત્યના જીવન પ્રસંગો :

હાર,
હુંડી,

મામેરું,

બાપનું શ્રાદ્ધ અને

શામળશાનો વિવાહ.

 

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

 

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ ચાખવા,

શિવ થકી જીવ થયો એ જ આશે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

 

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે,

કનક કુંડલ વિષે ભેદ ન હોયે;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,

અંતે તો હેમનું હેમ હોયે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી

જેહને જે ગમે તેને તે પૂજે

મન-વચન-કર્મથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સૂઝે

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

 

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈંયો એ મન તણી શોધના,

પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

 

અખંડ રોજી હરિના હાથમાં

હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚ વાલો મારો જુવે છે વિચારી ;

દેવા રે વાળો નથી દૂબળો‚ ભગવાન નથી રે ભીખારી…

હે જી વ્હાલા…

 

જળ ને સ્થળ તો અગમ છે‚ અને આ કાયા છે વિનાશી ;

સરવને વાલો મારો આપશે‚ હે જી તમે રાખો ને વિશવાસી…

હે જી વ્હાલા…

 

નવ નવ મહિના ઉદર વસ્યાં‚ તે દિ વાલે જળથી જીવાડયાં ;

ઉદર વસ્યાંને હરિ આપતો‚ આપતો સૂતાં ને જગાડી…

હે જી વ્હાલા…

 

ગરૂડે ચડીને ગોવિંદ આવજો‚ આવજો અંતરજામી ;

ભક્તોના સંકટ તમે કાપજો મહેતા નરસૈંના સ્વામી…

હે જી વ્હાલા…

 

 

અમે મૈયારા રે

અમે મહિયારા રે… ગોકુળ ગામનાં

મારે મહિ વેચવાને જાવા

મહિયારા રે… ગોકુળ ગામનાં

 

મથુરાની વાટ મહિ વેચવાને નીસરી

નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી

હે… મારે દાણ દેવા, નઇ લેવા, મહિયારા રે… ગોકુળ ગામના

 

યમુનાને તીર વ્હાલો વાંસળી વગાડતો

ભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતો

હે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રે… ગોકુળ ગામનાં

 

માવડી જશોદાજી કાનજીને વાળો

દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો

હે… મારે દુ:ખ સહેવા, નઇ કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં

 

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી

ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી

નિર્મળ હૈયાની વાત કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં

 

આ શેરી વળાવી

આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને !

આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.

આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;

દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શેરી..

આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને

દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને… શેરી..

આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,

દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને… શેરી..

આ ભોજન દેશું લાપશી ઘરે આવો ને !

દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને… શેરી..

આ રમત-દેશું સોગઠી ઘરે આવોને,

દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને… શેરી..

આ પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,

દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને… શેરી..

આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,

હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને… શેરી..

 

આજ મારાં નયણાં સફળ થયાં

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,

સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું;

પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;

હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,

સ્વર પૂરે સર્વ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાનો તટ, ધન્ય વ્રજનો રે વાસ;

ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો જ્યાં રમ્યા રાસ.

અંતરિક્ષથી દેવતા સહુ શોભા જોવાને આવે;

પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.

 

આ જોને આહીરને આંગણે

આ જોને આહીરને આંગણે, નરહરિ નાચે નિત્યે રે;

બ્રહ્માદિકને સ્વપ્ને ન આવે તે હરિ આવે પ્રીત્યે રે. – ઓ જોને. ૧

 

નાચતો હરિ સુંદર દીસે ઘૂઘરડી વાજે ચરણ રે;

ભરૂઆડાનાં ભાગ્ય જ મોટા, શું કીજે ઉત્તમ વરણ રે? – ઓ જોને. ૨

 

ભક્ત તણા હિત જાણી ભૂધાર અવનિતલ અવધાર ધરે;

ધન્ય ધન્ય ગોપી કૃષ્ણ હૂલરાવે, નરસૈંનો સ્વામી પાપ હરે. – ઓ જોને. ૩

 

આજ વૃંદાવન આનંદસાગર

આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે;

નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે.

એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે;

તા થૈ તા થૈ તાન મિલાવે, રાગ-રાગણી માંહે ઘૂમે.

સોળ કલાનો શશિયર શિર પર,ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે;

ધીર સમીરે જમુના તીરે, તનના તાપ ત્રિવિધ શમે.

હરખ્યા સુરનર દેવ મુનિજન, પુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;

ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી, એને કાજે જે દેહ દમે.

 

આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે

આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે, એને કોઈ નિહાળો રે. – ટેક

 

બ્રહ્માએ નથી ઘડી ભામિની, એ તો આપે બનીને આવી રે,

ત્રણ લોકમાં નહીં રે તારુણી, આવડું રૂપ ક્યાંથી લાવી રે? – આ.૧

 

દર્શન કરતા દુઃખડા ભાજે, સ્પર્શે પાતક જાયે રે,

એ નારીની જાતને જાણે તેને આવામન નહીં થાય રે. – આ.૨

 

ઘડ્યું ઘરેણું એને રે હાથે, હાથે ભરી છે ચોળી રે,

સાળિડે ભાત નારી કુંજરની, કસુંબાના રંગમાં બોળી રે. – આ.૩

 

એને ગાને ગુણી ગાંધ્રવ મોહ્યાં, તાંડવ નૃત્યને જાણે રે,

જળની ઝારી જુગતે ઝાલી, મારા મંદિરિયામાં માણે રે. – આ.૪

 

કહીએ છીએ પણ કહ્યું ન માને, એ નારી નહીં ગિરિધારી રે,

બ્રહ્મા ઈન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે. – આ.૫

 

વાસ કરે વૃન્દાવન માંહે, હમણા ગોકુળથી આવે રે,

નરસૈયાના સ્વામીને જોજો, એ તો નયણામાં ને હ જણાવે રે. – આ.૬

 

 

આજની ઘડી રળિયામણી

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,

હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

 

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,

મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

 

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,

મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

 

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,

મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

 

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ

માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

 

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,

મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

 

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,

મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

 

આજ રે શામળિયે વહાલે

આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;

રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે.

આજ રે શામળિયે વહાલે….

 

શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હીંડું જોતી રે;

રાણી રુક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે.

આજ રે શામળિયે વહાલે…

 

જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે;

વેરણ નિદ્રા મુને આવી, ‘હરિ હરિ’ કરીને ઊઠી રે.

આજ રે શામળિયે વહાલે…

 

ધમાણ મંગાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે;

આજ તો મારા હર કાજે નારદને તેડાવું રે.

આજ રે શામળિયે વહાલે…

 

રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે;

આપો રે, હરિ ! હાર અમારો, નહિતર જીવડો જાય રે.

આજ રે શામળિયે વહાલે…

 

થાળ ભરી શગ મોતી મંગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે;

ભલે રે મળ્યો નરસૈંયાનો સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે.

 

આવ્યો માસ વસંત વધામણાં

આવ્યો માસ વસંત વધામણાં, છબીલાજીને કરીએ છાંટણા;

વન કેસર ફૂલ્યો અતિ ઘણો, તહાં કોકિલા શબ્દ સોહામણાં;

રૂડી અરતના લઇએ ભામણા, આવ્યો માસ વસંત વધામણાં …. ૧

તું તો વહેલી થા ને આજ રે, તારાં સરસે સારાં કાજ રે;

તું તો મુક હૈયાની દાઝ રે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૨

તું તો નવરંગ ચોળી પહેર રે, પછી આજ થાશે તારો લ્હેર રે;

રૂડા હરજી આવ્યા તારે ઘેર રે, આવ્યો માસ વસંત વધામણાં …. ૩

તું તો સજ શણગાર સાહેલડી, લેને અબિલ ગુલાલ ખોલા ભરી;

પછી ઓ આવે હસતાં હરિ, આવ્યો માસ વસંત વધામણાં …….. ૪

રૂડી અરતના અંગો અંગ છે, તહાં રમવાનો રૂડો રંગ છે;

તહાં છબીલાજીનો સંગ છે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૫

તહાં આનંદ સરખો થાય છે, તહાં મોહન મોરલી વાયે છે;

તહાં નરસૈંયો ગુણ ગાય છે, આવ્યો માસ વસંત વધામણાં …….. ૬

 

આવેલ આશા ભર્યા

આશા ભર્યા તે અમે આવિયાં

ને મારે વાલે રમાડ્યા રાસ રે,

આવેલ આશા ભર્યા…… (૨)

 

શરદપૂનમની રાતડી ને

કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ…

 

વૃંદા તે વનના ચોકમાં

કાંઈ નામે નટવરલાલ રે…. આવેલ…

 

જોતાં તે વળતાં થંભિયાં

ઓલ્યા નદિયું કેરા નેર રે…. આવેલ…

 

અષ્ટકુળ પર્વત ડોલિયા ને

ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે…. આવેલ…

 

મે’તા નરસૈયાના સ્વામી શામળિયા

સદા રાખો ચરણની પાસ રે…. આવેલ…

 

ઉમિયા-ઇશની મુજને

ઉમિયા-ઇશની મુજને કિરપા હવી, જોજો ભાઇઓ ! મારું ભાગ્ય મોટું;

કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ – શું ધ્યાન ચોંટ્યું.

 

હાથ સાહ્યો મારો પારવતી-પતે, મુક્તિપુરી મને સદ્ય દેખાડી;

કનકની ભોમ, વિદ્રુમના થાંભલા, રત્નજડિત તાંહાં મોહોલ મેડી.

 

ધર્મસભામાં જહાં, ઉગ્રસેનજી તહાં, સંકરષણજી સંગ બેઠા;

તાંહાં વાસુદેવ ને દેવકીનંદન, રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા.

 

અક્રૂર ઓધવ, વેદુર ને અરજુન, શીઘ્ર ઊભા થયા હરને જાણી;

સોળ સહસ્ર શત આઠ પટરાણીઓ, મધ્ય આવ્યા, શૂલપાણિ.

 

ધાઈને જઈ મળ્યા, આસનેથી ચળ્યા, કર જોડીને કૃષ્ણે સન્માન દીધું;

બેસો સિંહાસને, જોગીપતિ ! આસને, આજ કારજ મારું સકળ કીધું.

 

‘ભક્ત-આધીન તમો છો સદા ત્રિકમા’, પ્રસન્ન થઈને શિવ બોલ્યા વાણી;

‘ભક્ત અમારો ભૂતલલોકથી આવિયો, કરો તેને કૃપા દીન જાણી’.

 

ભક્ત ઉપર હવે દૃષ્ટિ-કિરપા કરો, નરસૈંયાને નિજ દાસ થાપો;

તે જ વેળા શ્રીહરિએ મુજને કરુણા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.

 

ઉધડકી ઊઠિયા વેગે વિઠ્ઠલ હરિ

ઉધડકી ઊઠિયા વેગે વિઠ્ઠલ હરિ, ‘ગરૂડ ક્યાં ગરૂડ ક્યાં?’ વદત વાણી,

‘ચાલ, ચતુરા ! ચતુર્ભુજ ભણે, ભામિની ! નેષ્ટ નાગરે મારી ગત ન જાણી – ઉધડકી. ૧

 

ચીર -છાયલ ઘણા, વસ્ત્ર વિધવિધ તણા, એક પેં એક અધિક જાણો,

સ્વપ્ને જે નવ ચડે નામ જેનું નવ જડે, અંગ આળસ તજીને રે આણો. – ઉધડકી. ૨

 

હેમ હાથ – સાંકળા, નંગ બહુ નિર્મળા, સુભગ શણગાર અંગ સોહે સારો.

રીત એ ભાતમાં રોકડ રખે વિસરો, દીન થઈ કરગરે દાસ મારો. – ઉધડકી. ૩

 

ઈન્દ્ર બ્રહ્મા જેને સ્વપ્ને દેખે નહીં, તે ‘માગ રે માગ’ વદત વાણી,

નરસૈંયાનો નાથ લક્ષ્મી સહિત આવિયો અણગણી ગોઠડી અનેક આણી. – ઉધડકી. ૪

 

ઓ પેલો ચાંદલિયો

ઓ પેલો ચંદલિયો મા ! મને રમવાને આલો;

તારા ને નક્ષત્ર લાવી માર ગજવામાં ઘાલો. – ઓ પેલો. ૧

 

રૂએ ને રાગડો થાયે, ચાંદા સામું જુએ;

માતા રે જશોદાજી હરિના આંસૂડા લૂવે. – ઓ પેલો. ૨

 

ચાંદલિયો આકાશે વસે, ઘેલા રે કહાન;

સહુ કોને ઘેર બાળક છે, પણ તુને નહી સાન. – ઓ પેલો. ૩

 

વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો;

નરસિયાનો સ્વામી શામળિયો રડતો રે રાખ્યો. – ઓ પેલો. ૪

 

 

ઊંચી મેડી તે મારા સંતની રે

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

 

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,

મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે….

 

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ

ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે….

 

નથી તરાપો, નથી તુંબરા, નથી ઉતર્યાનો આરો રામ

નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે….

 

એવા રે અમો એવા

એવા રે અમો એવા રે એવા

તમે કહો છો વળી તેવા રે

ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો

તો કરશું દામોદરની સેવા રે

 

જેનું મન જે સાથે બંધાણું

પહેલું હતું ઘર રાતું રે

હવે થયું છે હરિરસ માતું

ઘેર ઘેર હીંડે છે ગાતું રે

 

સઘળા સાથમાં હું એક ભૂંડો

ભૂંડાથી વળી ભૂંડો રે

તમારે મન માને તે કહેજો

નેહ લાગ્યો છે ઊંડો રે

 

કર્મ-ધર્મની વાત છે જેટલી

તે મુજને નવ ભાવે રે

સઘળા પદારથ જે થકી પામે

મારા પ્રભુની તોલે ન આવે રે

 

હળવા કરમનો હું નરસૈંયો

મુજને તો વૈષ્ણવ વહાલા રે

હરિજનથી જે અંતર ગણશે

તેના ફોગટ ફેરા ઠાલા રે

 

કાનજી તારી મા કહેશે પણ અમે

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…

એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી તારી મા….

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…

ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે… કાનજી તારી મા….

ઝુલણી પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…

ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે… કાનજી તારી મા….

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…

કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે… કાનજી તારી મા….

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…

ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…

 

કર નખ રાતા

કર નખ રાતા કામિનીના રે રાતા અધર – સુદંત;

રાતો અબીલ ગુલાલ ઉડાડે, રાતો નવલ વસંત – કર. ૧

 

રાતી ચોળી કસણ કસી રે, રાતી કુસુમ રોળ;

રાતે સિંદૂર માંગ ભરી રે, મુખ રાતાં તંબોળ – કર. ૨

 

કૃષ્ણજી રાતા કામિનીએ, કામિની રાતી કૃષ્ણગુણે,

સરખે સરખા બેહુએ રાતા, નરસૈયો રાતે હરિચરણે. – કર. ૩

 

 

કાનુડાને સાદ કરી

[ગોપી]

 

જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે,

આવડી ધૂમ મચાવે વ્રજમાં, કોઈ નહીં પૂછનાર રે…. જશોદા

છીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને દ્વાર રે,

માખણ ખાધું, ઢોળી નાખ્યું, જાણ કીધું આ વાર રે….. જશોદા

ખાં ખાં ખોળા કરતો હીડે, બીહે નહીં લગાર રે,

મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે….. જશોદા

વારે, વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે,

નિત્ય ઊઠીને અમે ક્યમ સહિયે, વસી નગર મોઝાર રે…. જશોદા

 

[જશોદાજી]

 

આડી અવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે,

ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે… આડી….

મારો કાનજી ઘરમાં રમતો, ક્યારે દીઠો ન બહાર રે,

દૂધ, દહીંના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે…. આડી….

શાને કાજે મળીને આવી, ટોળે વળી દશબાર રે,

નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે….. આડી….

 

કેમ પૂજા કરૂં?

(તારી)પૂજા કેમ કરૂં કૃષ્ણ કરુણાનિધિ? અકળ આનંદ તો કહ્યો ના જાયે;

સ્થાવર-જંગમ વિશ્વ વ્યાપી રહ્યો, તે કેશવ કંડિયે કેમ સમાયે?…તારી

બાર મેઘે કરી સ્નાન શ્રીપતિ કર્યાં, શંખની ધારે તે કેમ રીઝે?

ઉનપચાસ વાયુ તુંને વ્યંજન કરે, ચમર ઢાળું તે કેમ ગમીજે? …તારી

સૂરજ રૂપે કરી તેજ ત્રિભુવન તપ્યાં, ચંદ્ર રૂપે કરી અમૃત ઠાર્યાં;

મેઘ રૂપે કરી વરસ્યાં રે, વિઠ્ઠલા! વાયુ રૂપે કરીને વધાર્યાં….તારી

અઢાર ભાર વનસ્પતિ અહર્નિશ પીમળે, માળી તે પાતરી શી રે લાવે?

ચૂઆ- ચંદને કરી પ્રભુ તુને પુજીએ, અંગની બહેકની તુલ્ય ના’વે …તારી

તારે નિત નવનવા નૈવેદ કમળા કરે, સૂક્ષ્મ નૈવેદ કેમ તુલ્ય આવે?

ભણે નરસૈંયો જેણે કૃષ્ણરસ ચાખીયો (તે) પુનરપિ માતને ગર્ભ ના’વે. …તારી

 

કેસર ભીના કાનજી

કેસરભીનાં કાનજી,

કસુંબે ભીની નાર;

લોચન ભીનાં ભાવશું,

ઊભાં કુંજને દ્વાર … કેસરભીનાં કાનજી

બેમાં સુંદર કોને કહીએ,

વનિતા કે વ્રજનાથ;

નિરખું પરખું પુરુષોત્તમને,

માણેકડાં બેહુ હાથ … કેસરભીનાં કાનજી

વેગે કુંજ પધારિયા,

લચકે થઈ ઝકઝોળ;

નરસૈંયાનો સ્વામી ભલે મળ્યો,

રંગ તણાં બહુ રોળ … કેસરભીનાં કાનજી

 

ખળખળતું પાણી

ખળખળતું પાણી તે અગનથી આકરું, ચોકમાં લાવીને મેલ્યુમ આણી,

પોતાના જાણ તેને ગણ્યા પારકા, અન્ય જાણી તીની ત્રીઠ તાણી – ખળખળતું. ૧

માગ્યા મહેતે જઈ , વહેવાઈને કહી, ઉષ્ણમાં ભેળવા ટાઢું પાણી,

‘ગીત ગાશો તંહી મેહૂલો વરસશે, આફણીયે થાશે જળ સમાણી. – ખળખળતું. ૨

કીધો મલ્હાર તે સાંભળ્યો શામળે, થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું,

વાય છે વાવડો વીજ ચમકા કરે, ગાજિયો ગગન તે જગતે જાણ્યું. – ખળખળતું ૩

ચાતુર્માસ નથી, નથી રત-માવઠું, કારમો ઉમગ્યો ખડક કાઢી,

અવની ઉપર થઈ નીર ચાલ્યું વહી, જાણીએ મેહ વૂઠ્યો અષાઢી – ખળખળતું. ૪

ધાઈ વહેવાઈ આવ્યા મહેતાજી કને , ‘ધનો મહેતા ! ધન્ય ભક્તિ સાચી,

પહેરામણી પણ નરસૈ કરશે ભલી, મૂરખ આપણી બુદ્ધિ કાચી.’ – ખળખળતું. ૫

 

 

ગિરી તળેટી ને કુંડ દામોદર

ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ

ઢેઢ વરણમા દ્રઢ હરી ભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ—-

 

કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ

મહાંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન… ગિરિ —

 

પ્રેમ પદારથ અમો રે પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ

કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈશ્નવ પરમ દયાળ… ગિરિ—-

 

પક્ષા-પક્ષિ ત્યાં નહિં પરમેશ્વર, સમ-દ્રષ્ટિ ને સર્વ સમાનઃ

ગૌમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો, એવું વૈશ્નવને આપ્યું વરદાન… ગિરિ —-

 

મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો રે ઑછ્છવ;

ભોર થયા લગી ભજન કીધુ, સંતોશ પામ્યા સૌ વૈશ્નવ… ગિરિ—–

 

ધેર પધાર્યા હરિજશ ગાતા, વાતા તાળ ને શંખ -મૃદંગ

હસી હસી નગરો તાળીયો લે છે, આ શા રે બ્રહ્મણ ના ઢંગ?… ગિરિ—-

 

મૌન ગ્રહીને મેહતાજી ચાલ્યા, અધવધને શું ઉત્તર દેઉ ?

જાગ્યા લોક નર નારી પુછે, મેહતાજી તમે એવા શું ?… ગિરિ—–

 

નાત ન જાણો ને જાત ન જાણો, ના જાણો કઈ વિવેકવિચાર;

કર જોડી કહે નરસૈયો, વૈશ્નવ તણો મને છે આધાર ૦ ગિરિ—

 

ગોરી તારાં નેપુર

ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,

વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;

સૂતું નગર બધું જગાડિયું

તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર.

સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,

પિયુડો તે પોઢ્યો પાડોશણ પાસ;

એક ને અનેક વહાલો મારો ભોગવે રે,

અમને નહિ અમારાની આશ !

કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,

સૈયર ઢાંક્યો ક્યમ જાય ?

મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે,

પરણ્યો કાઢી ક્યમ મૂકાય ?

મારે આંગણે આંબો મહોરિયો રે,

ગળવા લાગી છે કાંઈ સાખ;

ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે !

હું રે વેજું ને તું રે ચાખ.

મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે,

બિચ બિચ રોપી છે નાગરવેલ;

નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે,

હૈયું થયું છે કોમળ ગેહેલ.

 

ગામ તળાજામાં

ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મહેણું દીધું,

વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું. – ગામ. ૧

 

સાત ઉપવાસ ચિત્ત દૃઢ કરીને કર્યાં, દર્શન આપી વદિયા વચંન,

‘માગ ને અમગ મન હોય જે તાહરે, ભક્તિ તવ જોઈ હું થયો પ્રસન્ન – ગામ. ૨

 

‘માગુ શું નવલ હું ? તમને જે વલ્લભ દીજિયે મુજને તે જાણી દાસ’

અદ્ભુત લીલા અખંડ શ્રીકૃષ્ણની નરસિંને જઈ દેખાડ્યો રાસ – ગામ. ૩

 

 

ગિરી તારા નેપુર રણઝણ વાજણાં રે

ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;

સૂતું નગર બધું જગાડિયું, તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર.

સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે, પિયુડો તે પોઢ્યો પાડોશણ પાસ;

એક ને અનેક વહાલો મારો ભોગવે રે, અમને નહિ અમારાની આશ !

કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,સૈયર ઢાંક્યો ક્યમ જાય ?

મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે, પરણ્યો કાઢી ક્યમ મૂકાય ?

મારે આંગણે આંબો મહોરિયો રે, ગળવા લાગી છે કાંઈ સાખ;

ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે ! હું રે વેજું ને તું રે ચાખ.

મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે,બિચ બિચ રોપી છે નાગરવેલ;

નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે,હૈયું થયું છે કોમળ ગેહેલ.

 

ગીરિતળેટીને કુંડ

ગીરિતળેટીને કુંડ દામોદર તાંહા મહેતાજી નાહવા જાય,

ધેડા વરણમાં દ્રઢ હરિભક્તિ તે પ્રેમે ધરીને લાગ્યા પાય.

કરા જોડીને કરે પ્રાર્થના વિનય તણા બહુ વદ્યા રે વચન,

‘મહાનતા પુરુષ! અમારી અરજ એટલી, અમારે આંગણેએ કરો કીર્તન

પ્રેમા પદારથ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ,

કર જોડતામાં કરુણા ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ.

‘પક્ષાપક્ષીત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સરવા સમાન,

ગોમૂત્રને તુલસીથલ લીંપજો, એવું વૈષ્ણવે આપ્યું વાગ્દાન

મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કીધો ઓચ્છવ

ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સહુ વૈષ્ણવ

ઘેર પધાર્યામ હરિજશ ગાતા, વહાતા તાળ ને શંખ મૃદંગ,

હસી હસી નાગર લેતા તાળી; ‘ આ શે રે બ્રાહ્મણના ઢંગ’

મૌન ગ્રહી મહેતાજી ચાલ્યા, ‘અધવધારાને શો ઉત્તર દઉં?”

જાગ્યા લોક નરનારી પૂછો; ‘મહેતાજી ! તમે એવા શું ?’

નાત ન જાણો, જાત ન જાણો, ના જાણો કામી વિવેકા વિચાર,

કર જોડીને કહે નરસૈયો; ‘ એ વૈષ્ણવ તણો મુજને આધાર.’

 

 

ગોરી તારે ત્રાજૂડે

ગોરી તારે ત્રાજૂડે રે,

મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે;

રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે,

કોઈ દીસે છે ઈશ્વરી માયા રે.

રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે,

ગોફણે ઘૂઘરી ઘમકે રે;

શીશ દામણી એણી પેર સોહે,

જેમ ગગન વીજળી ચમકે રે.

નિલવટ આડ કરી કેસરની,

માંહે મૃગમદની ટીલી રે;

આંખલડી જાણે પાંખલડી,

હીડે લીલાએ લાડગહેલી રે.

આ કંચવો તમે ક્યાં સિવડાવ્યો,

શણગટ વાળ્યો શું ધારી રે ?

આ વેણી તમે ક્યાં રે ગૂંથાવી

જેણે મોહી વ્રજની નારી રે ?

ચંચલ દૃષ્ટિ ચહુદિશ નિહાળે,

માંહે મદનનો ચાળો રે;

નરસૈંયાનો સ્વામી જોવા સરખો,

કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.

 

 

ગોવાળમાં ગમતો ગોવિંદ

ગોવાળમાં ગમતો ગોવિંદ, રમતો રમત રૂડી રે.

શંખ શીંગલું મહાધુનિ વાધી, માંડતો મોહના મીટડી રે. – ૧

સુંદરવર શોભંતો દીસે, પીતામ્બર પાલવટડી રે;

નેપૂર કંકણ રમઝમા વાજે, પાઓલિએ ઘૂઘરડી રે. – ૨

શામળો સર્વે ઘેન બોલાવે, ગૌરજ મુખડે લાગી રે;

ભણે નરસૈયો : ભામણા લીજે આરત માએલી ભાગી રે. – ૩

 

 

ઘડપણ કોણે મોકલ્યું?

ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ – ઘડપણ. – ટેક.

ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ,

ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ. — ઘડપણ

નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,

ઘરમાંથી હળવા થયા રે, કહે ખૂણે ઢાળો એની ખાટ. — ઘડપણ

નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ,

રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. — ઘડપણ

પ્રાતકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,

ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય. — ઘડપણ

દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ,

દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ. — ઘડપણ

નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ,

બૈરાંછોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ.– ઘડપણ

આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર,

પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર. — ઘડપણ

એવું જાણી સૌ હરી ભજો રે, સાંભળજો સૌ સાથ,

પરઉપકાર કરી પામશો રે, જે કંઈ કીધું હશે જમણે હાથ. — ઘડપણ

એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર,

ધરમના સત્ય વચન થકી રે મહેતો નરસૈંયો ઊતર્યો ભવપાર. — ઘડપણ

 

ચાલ રમીએ સહિ

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,

વસંત આવ્યો વનવેલ ફૂલી;

મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,

કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

પહેર શણગાર ને હાર, ગજગામિની,

ક્યારની કહું છું જે ચાલ ઊઠી;

રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,

આજ તો લાજની દુહાઈ છૂટી.

હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,

કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;

નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,

ખોયેલા દિવસનો ખંગ વળશે.

 

ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ

ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ વસંત આવ્યો વન વેલ ફૂલી,

મૂલીયા અંબ કોકિલા-લ વે કદમ્બ, કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝુલી.

  ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…

 

પહેર શણગાર ને હાર ગજગામિની, ક્યારની કહું છું જે ચાલી ઊઠી,

રસિક મુખ ચુંબિએ, વળગિયે ઝુંબીએ, આજ તો લાજની દુહાઇ છુટી.

  ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…

 

હેતે હરિ વશ કરી લાહવો લે ઉર ધરિ, કરગ્રહિ કૃષ્ણજી પ્રિતે મળશે,

નરસૈયો રંગમા અંગ ઉન્મત થયો, ખોયેલા દિવસોનો ખંગ વળશે.

  ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…

 

ચાંદની રાત કેસરિયા તારા રે

ચાંદની રાત કેસરિયા તારા રે, પોઠી ભરી ચાલ્યા વણઝારા રે.

વણઝારે આડત કીધી રે, કાયાનગરી ઈજારે લીધી રે.

દાણી દાણ ઘટે તે લેજો રે, પોઠી અમારી જાવા દેજો રે.

જેવા વાડીના કુમળા મરવા રે, તેવા પોઠી અમારે ભરવા રે.

ભલે મળિયા ભલે મળિયા રે, તારા ગુણ નવ જાય કળિયા રે.

મહેતા નરસૈંયાના સ્વામી રે, સર્વે ગોપી આનંદ પામી રે.

 

ચાંદની રાત કેસરિયા તારા

ચાંદની રાત કેસરિયા તારા રે

પોઠી ભરી ચાલ્યા વણઝારા રે.

વણઝારે આડત કીધી રે,

કાયાનગરી ઈજારે લીધી રે.

દાણી દાણ ઘટે તે લેજો રે,

પોઠી અમારી જાવા દેજો રે.

જેવા વાડીના કુમળા મરવા રે,

તેવા પોઠી અમારે ભરવા રે.

ભલે મળિયા ભલે મળિયા રે,

તારા ગુણ નવ જાય કળિયા રે.

મહેતા નરસૈંયાના સ્વામી રે,

સર્વે ગોપી આનંદ પામી રે.

 

છપ્પન ભોગ જીહાં

છપ્પન ભોગ જીહાં, કવણ તાંદુલ તિહા? આપતા ઉર સંકોચ આવે,

જોઈએ સરવા તે આવી મળે કૃષ્ણને, તાંદુલ ભેટ તે તુચ્છ કહાવે. – છપ્પન. ૧

ધાઈ લીધા હરિ, મુષ્ટિ તાંદુલ ભરી, પ્રેમે આરોગીયા તૃપ્તિ પામી,

ઈન્દ્ર કુબેરથી અધિક વૈભવ કર્યો, ઋકમાણીએ કર ગ્રહયો શીશ નામી – છપ્પન. ૨

એક રહ્યા અમો , એક બીજા તમો, ભક્તને અઢળક દાણા કરતા,

પ્રેમદાએ પ્રીતના વચન એવા કહ્યા, હાથ સાહયો ત્રીજી મુઠ્ઠી ભરતાં – છપ્પન. ૩

વીનતાના વચન તે વિપ્ર સમજ્યો નહીં, ચાલવા ઘર ભણી શીખ માગી,

નરસૈને નાથે જઈ દ્વાર વેળાવિયો, માના તણી આરત સર્વેભાગી. – છપ્પન. ૪

 

 

જશોદા! તારા કાનુડાને

ગોપીઃ જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.

 

શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;

માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

 

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;

મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

 

વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;

નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.

 

જશોદાઃ

આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;

ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે … જશોદા.

 

‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?

દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.

 

શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !

નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.

 

 

જાગો રે જશોદાના જાયા

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚

 

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

 

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚

સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

 

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚

સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

 

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

 

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

 

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚

નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

 

 

જશોદાજીને આંગણિયે

જશોદાજીને આંગણિયે કાંઈ સુંદર શોભા દીસે રે,

મુક્તા ફળના તોરણ લહેકે, જોઈ જોઈ મનડું હીસે રે. – જશોદાજીને. ૧

 

મહાલામાલ માનિની હીંડે ઉલટ અંગ ન માય રે;

કુમકુમ કેસર ચચર્યા અંગે, ઘેર ઘેર ઓચ્છવ થાય રે. – જશોદાજીને. ૨

 

ધન્ય ધન્ય લીલા નંદ ભવનની જ્યાંહા પ્રગટ્યાં પરમાનન્દરે,

રંગરેલ નરસૈયો ગાવે, મન વાદ્યો આનંદ રે. – જશોદાજીને. ૩

 

 

જા જા નીંદરા ! હું તને વારું

જા જા નીંદરા ! હું તને વારું‚ તું છો નાર ધુતારી રે…

 

જા જા નીંદરા ! હું તને વારું…

નીંદરા કહે હું નહી રે ધુતારી‚ હું છું શંકર નારી રે‚

પશુ પંખીને સુખડાં આપું‚ દુઃખડા મેલું વિસારી રે…

જા જા નીંદરા ! હું તને વારું…

 

એક સમે રામ વનમાં પધાર્યા‚ લખમણને નીંદરા આવી રે‚

સતી સીતાને કલંક લગાવ્યું‚ ભાયુમાં ભ્રાંતું પડાવી રે…

જા જા નીંદરા ! હું તને વારું…

 

જોગી લુંટયા‚ ભોગી લુંટયા‚ લુંટયા નેજા ધારી રે‚

એકલ શૃંગીને વનમાં લુંટયા‚ નગરના લુંટયા નરનારી રે…

જા જા નીંદરા ! હું તને વારું…

 

પહેલા પહોરે રોગી જાગે‚ બીજા પહોરે ભોગી રે‚

ત્રીજા પહોરે તસ્કર જાગે‚ ચોથા પહોરી જોગી રે…

જા જા નીંદરા ! હું તને વારું…

 

બાર બાર વરસ લખમણે ત્યાગી‚ કુંભકરણે લાડ લડાવ્યાં રે‚

ભલે મળ્યાં મેતા નરસૈંના સ્વામી‚ આશ પુરો મોરારી રે…

જા જા નીંદરા ! હું તને વારું…

 

 

જળ કમળ છાંડી જાને બાળા

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે

 

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો

નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો

 

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો

મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો

 

રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,

તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો

 

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો

જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો

 

લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ

એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ

 

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ

શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ

 

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,

ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો

 

બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો

સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો

 

નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે

મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે

 

બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને

અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

 

થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો

નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો

 

 

જાગ કમળાપતિ

જાગ કમળાપતિ હજી કાં સૂઈ રહ્યો ? રોજ રામ તણી આજ ભાવી ?

વાર લાગે ઘણી, લાજ જાયે હણી, પછે શું કૃષ્ણજી કરશો આવી ? – જાગ. ૧

 

મેલ મમ નાથને ન ભર તું બાથને , કાં રે કમળા ? તુંને લાજ ના’વે ?

દાસ-ઉપહાસ થશે લાજ તારી જશે, પછે તને વ્હાલાજી ! કોણ ધ્યાશે ? – જાગ. ૨

 

‘ઉધડકી ઊઠિયા ? સેજથી શ્રીહરિ , ઊઠી કમળા રહ્યા હાથ જોડી;

‘ઉધડકી ઊઠિયા ? ક્ણ બડભાગીઆ ? સાર પ્રભુ ! તેની કરોને દોડી – જાગ. ૩

 

નરસૈયો નાગર ભક્ત છે માહરો, પ્રાન થકી અધિક તે નિશ્ચે જાણો,

જાઉં વેગે કરી, હૂંડી પાછી ફરી, લોક માંહે કરિં હું સમાણો.’ – જાગ. ૪

 

વણિક થયો વિઠ્ઠલો, શેઠ થયો શામળો, વાણોતર આઠ લીધા છે સાથે,

કુંડળ કરણ ને ચરઆ છે મોજડી, વીમ્ટી ને વેલિયા પહેર્યાં હાથે – જાગ. ૫

 

શામળું અંગે તે અતિઘણું ઓપતું, શોભતી લટકતી ચાલ ચાલે,

તીરથ વાસિઓ મન માંહે સંકોચિયા, સંમુખ શેઠને રહ્યારે ભાળે – જાગ. ૬

 

‘આ તો અપૂરવ પુરુષ દિસે ભલો નાણાવટી માંહે સાર અંકે,

ક્યમ કરી પૂછીએ, વાતને જાતને ? આપણ કેમ બોલાય રંકે ? – જાગ. ૭

 

અંતરજામીએ જાણી છે વારતા, શ્રીમુખ બોલિયા મધુર વાણી,

‘કોણ ભાઈઓ ! તમો, શેઠ શામળ અમો, અમ સરખું કાંઈકહેજો જાણી. – જાગ. ૮

 

ધાઈ ચરણે ઢળ્યા, શેઠ શામળ મળ્યા,ધન્ય અમ ભાગ્ય તે ચાલી આવ્યા;

નરસૈંયે નાગરેગઢ થકી મોકલ્યા, પત્ર હૂંડીનું લખાવી લાવ્યા. – જાગ. ૯

 

 

જાગને જાદવા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

તુજ વિના ધેનમાં કોણ જાશે ?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા

વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

 

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં

કઢિયેલ દૂધ તે કોણ પીશે ?

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો

ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

 

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં

મધુરીશી મોરલી કોણ વહાશે ?

ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે

બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

 

 

જાગને જાદવા! રાત થોડી રહી

જાગને જાદવા! રાત થોડી રહી, મંડળિક રાય મુને બીવરાવે,

અરુણ ઉદિયો અને હરણલી આથમી, તુંને તો યે કરુણા ન આવે. – જાગને. ૧

 

ભોગળ ભાંગિયે રાય દામોદરા! ઉઠો જદુનાથ દેવાધિદેવા !

મંડળિક મદભર્યો ઓચરે અઘટતું, જાણે નરસૈંયાની જૂઠી સેવા – જાગને. ૨

 

ભક્તપાલક, દયાશીલ તું શામળા ! માહરે પ્રીત પૂરણ છે તારી,

નાગરાશું નવલ નેહડો દાખવો, અકલિત ચરિત તારા મુરારિ. – જાગને. ૩

 

માહરે ‘નરહરિ’ નામ રૂદે વસ્યું ‘પતિતપાવન’ તરૂં બિરૂદ કહાવો,

ગ્રાહથી ગજને મૂકાવિયો શ્રી હરિ ! દાસ નરસૈંયાને તેમ મૂકાવો.- જાગને. ૪

 

 

જાગીને જોઉં તો

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;

ભણે નરસૈંયો ‘એ તે જ તું,’ ‘એ તે જ તું,’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.

 

જે ગમે જગત ગુરુ

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,

તે તણો ખરખરો ફોક કરવો;

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,

ઊગરે એક ઉદ્વેગ ધરવો

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

 

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે;

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,

જોગી જોગેશ્વરા કો’ક જાણે

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

 

નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,

શત્રુ મારીને સૌ મિત્ર રાખે;

રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ,

ભવન પર ભવન પર છત્ર દાખે

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

 

ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા,

માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;

જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,

તેહને તે સમે તે જ પહોંચે

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

 

ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી,

જેહને જે ગમે તેહને તે પૂજે,

મન કર્મ વચનથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સૂઝે

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

 

સુખ સંસારી મિથ્યા કરી માનજો,

કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;

જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,

જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

 

જ્યાં લગી આત્મા તત્વ

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,

ત્યાં લગી સાધના સર્વ જૂઠી,

મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો

માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

 

શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી

શું થયું ઘેર રહી દાન દીધે ?

શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,

શું થયું વાળ લોચન કીધે ?

 

શું થયું તપ ને તીરથ કીધા થકી,

શું થયું માળ ગ્રહી નામ લીધે ?

શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,

શું થયું ગંગાજળ પાન કીધે ?

 

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,

શું થયું રાગ ને રંગ જાણ્યે ?

શું થયું ખટ દર્શન સેવ્યા થકી,

શું થયું વરણના ભેદ આણ્યે ?

 

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,

આતમારામ પરિબ્રહ્મ ન જોયો;

ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,

રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

 

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,

તે તણો ખરખરો ફોક કરવો;

આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,

ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે;

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,

જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,

શત્રુ મારીને સૌ મિત્ર રાખે;

રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,

ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,

માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;

જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,

તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત

 

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,

જેહને જે ગમે તેને પૂજે,

મન કર્મ વચનથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત

સુખ સંસારી મિથ્યા કરી માનજો,

કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;

જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,

જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત

તમારો ભરોસો મને ભારી

તમારો ભરોસો મને ભારી,

સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી.

રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે,

ભૂપને કીધા ભીખારી, સીતાના સ્વામી … તમારો ભરોસો.

નખ વધારી હિરણ્યકશ્યપ માર્યો,

પ્રહ્લાદ લીધો ઉગારી, સીતાના સ્વામી … તમારો ભરોસો.

ભલે મળ્યો મહેતા નરસૈંયાનો સ્વામી,

નામ ઉપર જાઉં વારી, સીતાના સ્વામી … તમારો ભરોસો.

 

તું કિશા ઠાકુરા ?

તું કિશા ઠાકુરા ? હું કિશા સેવકા? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે;

મંડળિક હારને માટે મને બહુ દમે, છબિલા વિના દુઃખ કોને કહાયે ? – તું કિશા. ૧

 

કો’કહે લંPઅટી કો કહે લોભિયો, કો કહે તાલકૂટિયો તે ખોટો,

સાર કર માહરી, દીન જાણી જરિ ! હાર આપો કહું નાથ મોટો- તું કિશા. ૨

 

બે પાસા સુંદરી, કાંઠે બાંહો ધરી, કેશવા ! કીર્તન એમ હોયે,

અજ્ઞાન લોક તે અશુભ વાણી વદે, પૂર્ણ જે ભક્ત તે પ્રેમ જોયે – તું કિશા. ૩

 

જહીં મહાદેવજીએ પૂર્ણ કૃપા કરી, તહીંનો મેં લક્ષ્મીનાથ ગાયો,

મામેરા વેળા લાજજાતી હૂતી, ગરૂડ મેલીને તું ચરણે ધાયો.- તું કિશા. ૪

 

મુંને વેવાઈએ અતિશય વગોવિયો, ઉષ્ણ જળ મૂકીને હાસ કીધું,

દ્વાદ્રશ મેઘ ! તેં મોકલ્યા શ્રીહરિ ! આપણા દાસને માન લીધું.- તું કિશા. ૫

 

સોરઠ મંહે મુંને સહુએ સાચો કહ્યો, પુત્રીને મામેરું વારુ કીધું,

નાગરી નાતમાં ઈંડું અડાવિયું નરસૈયાને અભેદાન દીધું. – તું કિશા. ૬

 

ધન્ય તું ધન્ય તું રાયરણછોડજી

ધન્ય તું ધન્ય તું રાયરણછોડજી ! દીન જાણી મુંને માન દીધું,

નહીં મુજા જોગ તે ભોગ મેં ભોગવ્યા, આજા અંબરીષથી અધિક કીધું

કનકને આસને મુજને બેસાડિયો રુકામિણી વચને તે હાથ સાહતાં;

હેત આણી હરિ ચરણ તળાસતાં, ખટરસ ભોજન સામગા કરતાં.

બાળપણા તણો સ્નેહ નવ વિસર્યો મિત્ર મોહન તણી પ્રીત સાચી,

દીન જાણી મને દયા કીધી ઘણી, રંક બેસાડિયો કનક – માંચી.

ધન્ય ધન્ય કૃષ્ણજી ! સંતસેવા કરી, ધ્યાન ધરતો હું નિજદ્વાર આવ્યો;

જડિત – રાતનમણિ ભવન શોભા ઘણી, દેવ શું દ્વારકા આંહી લાવ્યો ?

કનકની ભૂમિને વિદ્રુમના થાંભલા, અર્કની જ્યોત ઉધ્યોત દીસે;

ખાન ને પાન વિહાર સ્થાનક ઘણા કામિની નીરખાતા કામ હીસે.

નવ સપ્ત વરસની દીઠી ત્યાં સુંદરી નારી નવજોબના બહુ રૂપાળી,

સોળ શણગાર ને અંગે સુંદર ધર્યા, દેવ વિમાનથી રહ્યા નીહાળી.

સહસ્ર દાસી મળી નાર વીંટી વળી કામિની કંઠની પાસ આવી,

‘સ્વામી રે સ્વામી ! હું દાસી છું તમ તણી મંદિર પધારીયે પ્રેમ લાવી

ગોમતી સ્નાન ને નિરખવું કૃષ્ણનું , પુણ્ય પ્રગટ થયું પાપ નાઠું;

આ કળિકાળમાં જંતુ સહે જે તારે જેને શ્રીકૃષ્ણ શું હોય ઘાટું.

કૃષ્ણ મહાત્મ્ય લઈ ઘેર આવ્યો વહી, નવલજોબન થયા નર ને નારી;

વારતા કથતા રજની વીતી ગઈ, નરસૈના નાથની પ્રીત ભારી.

 

ધ્યાન ધર હરિતણું

ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ,

જે થકી જન્મનાં દુઃખ જાયે;

અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે

માયા દેખાડીને મૃત્યુ વહાયે.

 

સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં,

શરણ આવે સુખ પાર ન્હોયે;

અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,

કૃષ્ણનું નામ તું રાખ મોંએ.

 

પટક માયા પરી, અટક ચરણે હરિ,

વટક મા વાત સુણતાં જ સાચી;

આશનું ભવન આકાશ સુધી રચ્યું,

મૂઢ એ મૂળથી ભીંત કાચી.

 

અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું,

તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;

ચેત રે ચેત, દિન ચાર છે લાભના,

લીંબુ લહેકાવતાં રાજ લેવું.

 

સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,

તે તણા સુજશ તો જગત બોલે;

નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી,

અવર વેપાર નહીં ભજન તોલે.

 

ધ્યાન ધર, ધ્યાન ધર

ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે,

અંતર ભાળની એક સુરતિ;

દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે,

અજબ અનુપમ અધર મૂરતિ … ધ્યાન ધર

મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,

ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;

કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે,

નીરખતી નૌતમ સંગ સહેલી … ધ્યાન ધર

મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,

ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;

તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી,

ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે … ધ્યાન ધર

સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,

દરસશે દેહીથી ભજન કરતાં;

નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે

કાપશે દુક્રિત ધ્યાન ધરતાં … ધ્યાન ધર.

 

 

નાગર નંદજીના લાલ

નાગર નંદજીના લાલ !

રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

 

કાના ! જડી હોય તો આલ

રાસ રમંતાં મારી નથડી ખોવાણી… નાગર નંદજીના લાલ !

 

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,

નથણી આપો ને મારા સુભદ્રાના વીરા… નાગર નંદજીના લાલ !

 

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,

મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય… નાગર નંદજીના લાલ !

 

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર

રાધાજીની નથડીનો શામળિયો છે ચોર… નાગર નંદજીના લાલ !

 

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,

નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર… નાગર નંદજીના લાલ !

 

નાથને નીરખી

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,

સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

 

જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;

પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

 

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;

હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

 

કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,

સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે.

 

ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ;

ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ.

 

અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે;

પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.

 

નાચતાં નાચતાં નયન નયણાં

નાચતાં નાચતાં નયન-નયણાં મળ્યાં,

મદભર્યા નાથને બાથ ભરતાં,

ઝમકતે ઝાંઝરે તાળી દે તારુણી

કામિની કૃષ્ણ-શું કેલિ કરતાં.

પ્રેમદા પ્રેમશું અધર ચુંબન કરે,

પિયુ-સંગ પરવરી સબળ બાળા,

તાલ-મૃંદગ મધ્ય ઘમઘમે ઘૂઘરી,

શ્યામ-શ્યામા કરે ચપળ ચાળા.

ઉર-શું ઉર ધરે, નાથ રંગે રમે,

જેહને જ્યમ ગમે ત્યમ રમતાં,

ભણે નરસૈંયો રંગરેલ-ઝકોળ ત્યાં,

રણ ઠર્યો સપ્ત સ્વર ગાન કરતાં.

 

નાનું સરખું ગોકુળિયું

નાનું સરખું ગોકુળિયું, મારે વ્હાલે વૈકુંઠ કીધું રે,

ભક્તજનોને લાડ લડાવી, ગોપીઓને સુખ દીધું રે. – નાનું. ૧

ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના’વે રે

છાશ વલોવે નંદ ઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે રે.- નાનું. ૨

વણકીધે વહાલો વાતાં કરે,પૂરણ બ્રહ્મ અવિનાશી રે,

માખણ કાજ મહિયારી આગળ ઊભો વદન વિકારી રે. – નાનું. ૩

બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે,

નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરીખી દાસી રે. – નાનું. ૪

 

નારાયણનું નામ જ લેતાં

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;

મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

 

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;

ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

 

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;

ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

 

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;

તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

 

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;

ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.

 

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

તે જ હું તે જ હું શબ્દ બોલે

શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ

અહીંયા કો નથી કૃષ્ણ તોલે

 

શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી

અનંત ઓચ્છવમાં પંથ ભૂલી

જડ ને ચૈતન્ય રસ કરી જાણવો

પકડી પ્રેમે સજીવન મૂળી

 

ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિકોટમાં

હેમની કોર જ્યાં નીસરે તોલે

સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે

સોનાના પારણા માંહી ઝૂલે

 

બત્તી વિણ, તેલ વિણ, સૂર્ય વિણ જો વળી

અચળ ઝળકે સદા અનળ દીવો

નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો

વણજિહ્વાએ રસ સરસ પીવો

 

અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો

અરધ-ઊરધની માંહે મહાલે

નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો

પ્રેમના તંતમાં સંત ઝાલે

 

પઢો રે પોપટ રાજા રામ ના

પઢો રે પોપટ રાજા રામ ના, સતી સીતાજી પઢાવે,

પાસે રે બંધાવી રુડું પાંજરુ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….

 

પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,

એનુ રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….

 

પોપટ તારે કારણે શીશી રસોઇ રંધાવું,

સાકર ના કરી ને ચુરમા, ઉપર ઘી પિરસાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….

 

પાંખ રે પીળી ને પગ એના પાડુંરા,

કોઠે કાઠલો કાળો, નરસૈયાના સ્વામી ને ભજો રાગ, તાણી ને રુપાળો…

 

હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના….

 

પરભાતે મહી મથવા

પરભાતે મહી મથવા ઊઠ્યાં જશોદારાણી,

વિસામો દેવાને ઊઠ્યાં સારંગપાણિ.

માતા રે જશોદા તારાં મહીડાં વલોવું,

બીશો ના માતાજી હું ગોળી નહીં ફોડું;

ધ્રૂજ્યો મેરુને એને ધ્રાસકો રે લાગ્યો,

રવૈયો કરશે તો તો નિશ્ચે હું ભાંગ્યો.

વાસુકિ ભણે ‘મારી શી પેર થાશે ?’

નેતરું કરશે તો તો જીવડો રે જાશે.

મહાદેવ વદે, મારી શી વલે થાશે ?

હવેનું આ હળાહળ કેમ રે પીવાશે.

બ્રહ્મા ઇંદ્રાદિક લાગ્યાં રે પાય,

નેતરું મૂકો તમે ગોકુળરાય;

જશોદાજી કહે હું તો નવનિધ પામી,

ભક્તવત્સલ મળ્યો નરસિંહનો સ્વામી.

 

પારણે પોઢ્યાં શ્રી પુરષોત્તમ

પારણે પોઢ્યાં શ્રી પુરષોત્તમ માતાને હરખ ન માય રે;

આનન્દ્યા વ્રજવાસી સહુ કો, માનુની મંગળ ગાય રે. -પારણે.

 

સાવ સોનાનું પારણું રે, માણેક મોતીએ જડિઉં રે;

ચોદિશ રત્નની કાંતિ વિરાજે, ઝાઝે હીરે ભરિયું રે.-પારણે.

 

હીંડોળે ઊભા ઉલ્લાસે ઘમ ઘમ ઘૂઘરા ઘમકે રે;

કહાન કુંવર અવલોકી જોતાં માનિનીના મન ટમકે એ. -પારણે.

 

ધન્ય ધન્ય નંદ જશોમતી માતા, ધન્ય ધ્ન્ય ગોકુળગામ રે;

નરસૈયાનો સ્વામી અવતરિયો કરવ ભક્તના કામ રે. -પારણે.

 

પાછલી રાતના નાથ પાછા વળ્યા

પાછલી રાતના નાથ પાછા વળ્યા, શું કરું રે સખી ? હું ન જાગી;

નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈ, વહાલોજી દઈ ગયા વાચ, રાખી.

કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ? પરથમ જઈ એને પાય લાગું;

સરસ છે શામળો, મેલશે આમળો, જઈ રે વ્હાલા કને માન માંગું.

‘ઊઠ આળસ તજી, નાથ નથી ગયા હજી, દ્વાર ઊભા હરિ હેત જોવા;’

ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથ ને, અ-સૂર થાશે મારે ધેન દોહવા.

 

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

હરનિશ એને ધાવું રે,

તપ તીરથ વૈકુંઠ તજીને,

મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે … પ્રાણ થકી

 

અંબરીષ મુજને અતિઘણા વ્હાલા,

દુર્વાસાએ મન ભંગ કીધા,

મેં મારું અભિમાન તજીને,

દશવાર અવતાર લીધો રે … પ્રાણ થકી

 

ગજ તજી વહારે તમે પાદે ધાયા,

સેવકની સુધ લેવા,

ઊંચનીચ કુલ હું નવ જાણું,

મને ભજે સો મમ જેવા … પ્રાણ થકી

 

મારો બાંધ્યો મારો વૈષ્ણવ છોડાવે,

વૈષ્ણવનો બાંધ્યો વૈષ્ણવ છૂટે,

ક્ષેણું એક વૈષ્ણવ મુજને બાંધે,

તો ફિર ઉત્તર નવ સુઝે … પ્રાણ થકી

 

બેઠો ગાવે ત્યાં ઉભો સાંભળું,

ઉભા ગાવે ત્યાં નાચું,

વૈષ્ણવ જનથી ક્ષેણું ન અળગો,

માન નરસૈયા સાચું … પ્રાણ થકી

 

પ્રેમરસ પાને

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !

તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;

દૂબળા ઢોરનું કુશકે મન ચળે,

ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ0

 

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,

શુકજીએ સમજી રસ સંતાડ્યો;

જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;

મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ0

 

મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,

જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;

પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,

અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ0

 

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,

હેતુના જીવ તે હેતુ તૂઠે;

જનમોજનમ લીલારસ ગાવતાં,

લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. પ્રેમ0

 

મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,

વાત બીજી નવ લાગે મીઠી;

નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,

જતિ સતીને તો સપને ન આવે. પ્રેમ0

 

પ્રાતઃ હવું પ્રાણપતિ

પ્રાતઃ હવું પ્રાણપતિ ! ઈંદુ ગયો આથમી,

કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી ?

નાથ ! મેલો હવે બાથ માંહે થકી

શું કરશો હે બાંહ ઝાલી ?

અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી,

તેજ તારા તણું ક્ષીણ દીસે;

દીપક-જ્યોત તે ક્ષીણ થઈ જાદવા,

વચ્છ ધવરાવવા ધેન હીસે.

લલિત અતિ સુંદરી લલિત આલાપતી

દધિમંથન ઘોષ ઘેર ધાયૈ;

શબ્દ સોહામણાં સાવજાં અતિ કરે,

સુરભિત શીતલ પવન વાયે.

કમળ વિકસી રહ્યા, મધુપ ઊડી ગયાં,

કુક્કુટા બોલે, પિયુ ! પાય લાગું;

રવિ રે ઉગતાં લાજી એ ઘેર જતો,

નરસૈંયાના સ્વામી ! માન માંગું.

 

 

બાપજી પાપ મેં

બાપજી પાપ મેં કવણ કીધાં હશે,

નામ લેતાં તારું નિંદ્રા આવે;

ઉંઘ આળસ આહાર મેં આદર્યાં,

લાભ વિના લવ કરવી ભાવે … બાપજી

 

દિન પૂઠે દિન તો વહી જાય છે,

દુર્મતિનાં મેં ભર્યાં રે ડાળાં;

ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી,

ખાંડ્યાં સંસારનાં થોથાં ઠાલાં … બાપજી

 

દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં,

ભીડ-ભંજન તારું નામ સાચું;

ફરી ફરી વર્ણવું, શ્રી હરિ તુજને

પતિત-પાવન તારું નામ સાચું …. બાપજી

 

તારી કરુણા વિના કૃષ્ણ કોડામણા

કળ અને અકળનું બળ ન ફાવે;

નરસૈંયા રંકને ઝંખના તાહરી,

હેડ બેડી ભાગ્યો શરણ આવે … બાપજી

 

ભાળ તું ભાળ તું સંમુખે શામળા!

ભાળ તું ભાળ તું સંમુખે શામળા! ટાળ દુઃખ ટાળ દુઃખ આજ મારું,

નિગમ નેતિ રટે, આવડું નવ ઘટે, ‘ભક્ત વત્સલ’ પ્રભુ ! બિરૂદ તારું – ભાળ તું. ૧

 

અરજ સુણિ હરિ ! શું કહીએ ફરી ફરી, શ્રવણ ન્ સાંભલો નિદ્રા આવી ?

ધાઓ ધરણીધરા ! જાગજો જદુવરા ! દુષ્ટને હાથથી લ્યો મૂકાવી. – ભાળ તું. ૨

 

સત્યને પાળવા, અસત્યને ટાળવા પ્રગટોને પૂરણબ્રહ્મ પોતે,

અપજો ફૂલનો હાર કમળાપતિ ! સુંદરશ્યામ! સાંભરે જો તે. – ભાળ તું. ૩

 

સુખડા આપવા, દુઃખડા ટાળવા, ‘અનાથના નાથ’ તમે રે કહાવો,

નરસૈંયો બેઉ કર જોડીને વિનવે શામના ચરણનો લેવો લહવો – ભાળ તું. ૪

 

ભુતળ ભક્તિ પદારથ

ભુતળ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,

પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે

 

હરિના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,

નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે

 

ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,

ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે

 

ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,

અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે

 

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,

કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે

 

ભોળી રે ભરવાડણ

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે

ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

 

શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે

નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

 

વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે

મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

 

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે

ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

 

ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે

દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

 

મરમ વચન કહ્યાં ભાભીએ

મરમ વચન ખ્યાં ભાભીએ હુંને તે, માહરા પ્રાણમાં રહ્યા વળુંઘી,

શિવ આગળ જઈ. એકમનો થઈ, ધ્યાન કીધું દિવસ સાત સુધી. – મરમ. ૧

 

હરજીએ હેત ધરી, દીન જાણી કરી, પ્રગટ દર્શન દીધું શૂલયાણિ,

‘તારી ભક્તિ ઉપર હું જ પ્રસન્ન થયો, માગ રે માગ’ મુખ વદત વાણી. – મરમ. ૨

 

ગદ્ ગદ્ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુઘ જાણી,

અચેત ચેતન થયો, ભવ તણો અધ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી. – મરમ. ૩

 

‘તમને જે વલ્લભ હોય કાંઈ દુલ્લભ આપો, પ્રભુજી ! હું ને દયા રે આણી’

ગોપીનાથે હુંને અભેપદ આપિયું, નરસૈયો હરિજશ રહ્યો વખાણી. – મરમ. ૪

 

 

મહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી

મહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી;

વિસામો દેવાને ઊઠ્યા સારંગપાણી. – મહીડું. ૧

માતા રે જશોદા તારું મહીડું વલોવું;

બીશો માં માતાજી ! ગોળી નહીં ફોડું. – મહીડું.૨

ધ્રૂજયો મેરુ રે એને ધ્રાસકો લાગ્યો;

રવૈયો કરશે તો નિશ્ચે હું ભાગ્યો. – મહીડું. ૩

વાસુકિ ભણે; ‘મારી શી પેર થાશે ?

મારું નેતરું કરશે તો જીવડો જાશે.’ – મહીડું. ૪

રત્નાકર કહે; ‘મુજ રતન નથી,

ઠાલો વલોવશે મુને ગોકુળપતિ.’ – મહીડું. ૫

બ્રહ્મા ઇંદ્રાદિક વળતાં લાગ્યા રે પાય;

‘નેતરૂ મૂકો તમે ગોકુળા રાય !’ – મહીડું. ૬

જશોદાજી કહે; ‘હું તો નવનિધ પામી,

ભક્તવત્સલ મળ્યો નરસિયાનો સ્વામી.’ – મહીડું. ૭

 

મારી હુંડી સ્વીકારો મહારાજ રે

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી

મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી

 

રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ

ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ

પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ

સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,

વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,

બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,

સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય,

આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ,

લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,

વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,

રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ

મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

 

 

માલણ લાવે મોગરો રે

માલણ લાવે મોગરો રે, કાચી કળીનો હાર;

આવતાં ભીંજે ચૂંદડી,રણ મેઘ ન પડે ધાર.

રૂપલા કેરી ઊંઢાલણી રે, સોના કેરી થાળ;

પીરસે પદ્મિની પાતળી રે, તમે આરોગો નંદલાલ.

ચંદ્ર વિના શી ચાંદની રે, દીવડા વિના શી રાત;

હરજી વિના શી ગોઠડી, મારે જવું શામળિયા સાથ.

પાંચસાત ગોપીઓ ટોળે મળી રે, ઊભી ચાંપલિયા હેઠ;

છેલ કાનુડો આવશે,પેલી પાતલડીને ઘેર.

આંબુડો વાવે મલગુગડો, જાંબુડો લહરે રે જાય;

ભલે મળ્યો મહેતા નરસૈંનો સ્વામી, મારી હૃદયા ટાઢી થાય

 

મેહુલો ગાજે ને માધવ નાચે

મેહુલો ગાજે ને માધવ નાચે,

રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,

તાલ પખાજ વજાડે રે ગોપી,

વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.

 

પહેરણ ચીર, ચરણા ને ચોળી,

ઓઢણ આછી લોબરડી રે;

દાદુર, મોર, બપૈયા બોલે,

મધુરી શી બોલે કોયલડી રે. મે.

 

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,

ધન્ય વૃંદાવનમાં અવતાર રે;

ધન્ય નરસૈયાની જીભલડીને,

જેણે ગાયો રાગ મલ્હાર રે..મેહુલો ગાજે ને માધવ નાચે….

 

મોરના પીંછડાંવાળો રે

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મુગટ છે એનો રે રૂપાળો કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

માથે મુગટ એણે પહેર્યું પીતાંબર

ગુંજાનો હાર રઢિયાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

 

ખંભે છે કામળી ને હાથમાં છે લાકડી

મીઠી મીઠી મોરલીવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

નરસૈયાંના નાથને નજરે નિહાળતાં

આવે છે ઉરમાં ઉછાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો

મોરના પીંછડાંવાળો

 

 

રાધિકા સુંદરી !

રાધિકા સુંદરી ! સકલ શિરોમણી, વેઠ્ઠલા – વલ્લહી માન માગું,

ક્ષણુએક નાથને બાથ અળગી કરો, મેલ મમ નાથને પાય લાગું. – રાધિકા. (૧)

 

અજિત તેં જિતિયો, અબંધ તે બાંધિયો નેહભર શામ-શુ કેલિ કરતા,

તા હરું ચલણ દીસે ઘણુંઘર વિષે, સમુદ્રતનયા હિંડે અંક ભરતા – રાધિકા. (૨)

 

પુરુષને પુરુષનો સ્નેહ શું કામનો ? નારીને પુરુષનો સંગ રૂડો,

જેની માયા વિષે વિશ્વ બૂડી રહ્યું, તેહ હરિ રાધિકા સંગ બૂડ્યો – રાધિકા. (૩)

 

છેલ ચંચળ ! અહંકાર નવ કિજિયે, જાય અહંકાર ત્ જોત જોતાં,

ભણે નરસૈયો : ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતા’ – રાધિકા. (૪)

 

 

રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી

રાત રહે જાહરે પાછલી ખટ ઘડી

સાધુ પુરુષને સૂઇ ન રહેવું;

નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,

‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત

 

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,

ભોગિયા હોય તેણે ભોગ તજવા;

વેદિયા હોય તેણે વેદ વિચારવા,

વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત

 

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,

દાતાર હોય તેણે દાન કરવું;

પતિવ્રતા નારીએ કંથને પૂછવું,

કંથ કહે તે તો ચિત્ત ધરવું … રાત

 

આપણે આપણા ધર્મ સંભાળવા,

કર્મનો મર્મ લેવો વિચારી;

નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં

ફરી નવ અવતરે નર ને નારી … રાત

 

રામ સભામાં અમે

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં

પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.

 

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,

બીજે પિયાલે રંગની રેલી

ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો

ચોથે પિયાલે પ્રભુજી જેવી …રામ સભામાં

 

રસ બસ એકરૂપ થઇ રસિયા સાથે,

વાત ન સુઝે બીજી વાટે

મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે

તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

 

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં

અખંડ સૌભાગી અમને કીધાં રે

ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી

દાસી પરમ સુખ પામી રે … રામ સભામા

 

 

વહાલા મારા વૃંદાવનને ચોક

વહાલા મારા ! વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ;

ગોકુળ ગામ તણી વ્રજનાર કે વેગે બોલાવજો રે લોલ.

અમને રાસ રમ્યાના કોડ કે નાથ-સંગ બેલડી રે લોલ;

લેવા મુખડાના મકરંદ કે મળી તેવતવડી રે લોલ.

રૂડું જમનાજી કેરું નીર કે તટ રળિયામણો રે લોલ;

રૂડો બંસીવટનો ચોક કે ચંદ્ર સોહામણો રે લોલ.

મળિયો વ્રજવનિતાનો સાથ કે તાળી હાથ શું રે લોલ;

માનિની મદમત્ત ભીડે બાથ કે કોમળ ગાત શું રે લોલ.

ફરતી ગાન કરે વ્રજનાર કે વચમાં શ્રીહરિ રે લોલ;

કંકણ-ઝાંઝરનો ઝમકરા કે ઘમકે ઘૂઘરી રે લોલ.

જોવા મળિયા ચૌદે લોક કે ઈન્દ્ર ત્યહાં આવિયા રે લોલ;

રૂડાં પારિજાતકના પુષ્પે કે પ્રભુને વધાવિયાં રે લોલ;

બ્રહ્મા રુદ્ર ધરે એનું ધ્યાન કે પાર પામે નહીં રે લોલ;

નાચે નરસૈંયો રસમગ્ન કે જોઈ લીલા નાથની રે લોલ.

 

વા વાયા ને વાદળ ઉમટ્યા

વા વાયા ને વાદળ ઊમટ્યાં,

ગોકુળમાં ટહુક્યા મોર,

મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના’વો શા માટે

નહીં આવો તો નંદજીની આણ … મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,

તમે છો રે સદાના ચોર … મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,

તમે ભરવાડના ભાણેજ … મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,

તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,

એમને તેડી રમાડ્યા રાસ … મળવા.

 

 

 

વારી જાઉં રે સુંદર શ્યામ! તમારા લટકાને

વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને.

લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે,

લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે … વારી જાઉં.

લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલવટ વાળી રે,

લટકે જઈ જમુનામાં પેસી, લટકે નાથ્યો કાળી રે … વારી જાઉં.

લટકે વામન રૂપ ધરીને, આવ્યા બલિને દ્વાર રે,

ઉઠ કદંબ અવની માગી, બલિ ચાંપ્યો પાતાળે રે … વારી જાઉં.

લટકે રઘુપતિ રૂપ ધરીને, તાતની આજ્ઞા પાળી રે,

લટકે રાવણ રણ મારીને, લટકે સીતા વાળી રે … વારી જાઉં.

એવા લટકા છે ઘણેરા, લટકા લાખ કરોડ રે,

લટકે મળે નરસૈંના સ્વામી, હીંડે મોડામોડ રે … વારી જાઉં.

 

 

વૈષ્ણવજન તો તેને રે કહીયે

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.

પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.

વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.

જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.

રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.

ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

 

શરદપૂનમ તણો દિવસ આવ્યો

શરદપૂનમ તણો દિવસ તહાં આવિયો, રાસ-મર્યાદનો વેણ વાધ્યો;

રુકમઃઇ આદિ સહુ નાર ટોળે મળી, નરસૈંયે તહાં તાલ સાધ્યો.

 

પુરુષ-પુરુષાતન લીન થયું માકરું, સખીરૂપે થયો ગીત ગાવા;

દેહ દિશા સૌ ટળી, ગોપીમાં ગયો મળી, દૂતી થયો માનિનીને મનાવા.

 

હાવ ને ભાવ રસભેદના પ્રીછિયા, અનુભવતાં રસબસ રે થાતાં;

પ્રેમે પીતામ્બર આપિયું શ્રી હરિ, રીઝિયા કૃષ્ણજી તાલ વા’તા.

 

વ્રજ તણી આદ્ય લીલાનું દરશણ હવુ, અરુણ ઉદયે શંખનાદ કીધો;

રુકમણિ આદિ સહુ નારી ત્રપત થઈ, રામાએ કંઠથી હાર દીધો.

 

ધન્ય તું, ધન્ય તું એમ કહે શ્રીહરિ, ‘નરસૈંયો ભક્ત હું-તુલ્ય જાણો;

વ્રજ તણી નારી જે ભાવ-શું ભોગવે, તેહને પ્રેમ-શું સહેજે માણ્યો.’

 

 

શરીર શોધ્યા વિના સાર નહીં

શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પારા નહીં પામો પોથે,

તાંદુલ મેલીને તુસને વળગી રહ્યો, ભૂખ નહીં ભાંગે એમાં થાળે હાથે. – શરીર. ૧

 

રસનાના સ્વાદમાં સરવ રીઝી રહ્યાં, વિગતિ ગુરુજ્ઞાન વિના રે ગૂંથે,

વાણી વિલાસમાંરંગા ન લાગ્યો રુદે, પરહરી વસ્ત્રને વળગ્યો ચૂંથે. – શરીર. ૨

 

શબ્દ સંચ્યા ઘણા, સકલ વિદ્યા ભણ્યા, આધ્યાત્મ ઉચરે એ જ પોતે,

પ્રપંચ પંડમાં રહ્યો, અહંકાર નવ ગયો, અનંત જુગ વહી ગયા એમ જોતે – શરીર. ૩

 

શાસ્ત્ર કીધાં કડે, તોયા રજનીમાં આથડે, અંધ થૈ સંચરે શૈલ્ય ઓથે,

ભણે નરસૈયો જે ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પાડા ચોથે – શરીર. ૪

 

 

શીખ કરી શંકરે

શીખ કરી શંકરે, હરખી કહ્યુ શ્રીવરે; ‘ભૂતળે જઈ ગુણ મારા ગાજે,

ભૂતળે જન જે રસિક છે હરિ તણા, તે હને એ રસ તું રે પાજે – શીખ. ૧

 

માસ એક રાખીને વિદય કર્યોદાસને, આવીને ભાભીને લાગ્યો પાયે,

શ્રી હરિ-હર હુંને જે મળ્યાં સાંભળો; ‘માત – મારી! તે તારી કૃપાએ -શીખ. ૨

 

નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,

ગામ ગામે થકી. હરિજન આવતાં, દર્શન કરવાએ લ્હાર લાગી. – શીખ. ૩

 

ભાઈ ભોજાઈ અકળાઈને એમ કહે; ‘ હવે તમો અમ થકી દૂર રહીએ’,

મહેતાજી પછે તહાં કહે નિજનારને; ‘નગર જૂનાગઢ માંહે જઈએ.’ – શીખ.૪

 

 

 

 

શેરી વળાવી સજ્જ કરું

આ…. શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને !

આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.

 

આ…. ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;

દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શેરી..

 

આ…. દાતણ દેશું દાડમી ઘરે આવો ને

દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને… શેરી..

 

આ…. નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,

દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને… શેરી..

 

આ…. ભોજન દેશું લાપશી ઘરે આવો ને !

દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને… શેરી..

 

આ…. રમત-દેશું સોગઠી ઘરે આવોને,

દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને… શેરી..

 

આ…. પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,

દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને… શેરી..

 

આ…. મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,

હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને… શેરી..

 

સમરને શ્રી હરિ

સમરને શ્રી હરિ, મેલ મમતા પરી,

જોને વિચારીને મુળ તારું;

તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો,

વગર સમજે કહે મારું મારું … સમરને

દેહ તારો નથી જો તું જુગતે કરી,

રાખતા નવ રહે નિશ્ચે જાયે,

દેહ સંબધ તજે નવ નવા બહુ થશે,

પુત્ર કલત્ર પરિવાર વહાવે … સમરને

ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે,

એ જ તારે અંતરાય મોટી,

પાસે છે પિયુ અલ્યા કેમ ગયો વિસરી,

હાથથી બાજી ગઇ થયા રે ખોટી … સમરને

ભરનિંદ્રા ભર્યો, રુંધી ઘેર્યો ઘણો,

સંતના શબ્દ સુણી કાં ન જાગે,

ન જાગતા નરસૈંયો લાજ છે અતિ ઘણી,

જન્મોજનમ તારી ખાંત ભાંગે … સમરને

 

 

સુખ દુ:ખ મનમા ન આણિયે

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં

ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ

 

નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;

અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ

 

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;

બાર વરસ વન ભોગવ્યાં, નયને નિંદ્રા ન આણી … સુખદુઃખ

 

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;

રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી … સુખદુઃખ

 

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;

દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લુંટાણી … સુખદુઃખ

 

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;

તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી … સુખદુઃખ

 

શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી;

ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી … સુખદુઃખ

 

 

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;

જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે … સુખદુઃખ

 

સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;

ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી … સુખદુઃખ

 

હરિ તણું હેત

હરિ તણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ કીધું,

હડ ને છડ કરી સહુ તને હાંકતું, આજ વધારીને માન દીધું.

ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા શ્રીનાથે છોડ્યા,

તે તણાં ચરણને નવ ભજ્યો કૃતઘ્નિ, તેં ન ગુણ પાડના હાથ જોયા.

પગ ઠોકી કરી માગતો મૂઢ મતિ, ઘાસ પાણી કરી શબ્દ ઝીણા,

આજ ગોવિંદ ગુણ ગાઈને નાચતાં, લાજ આવે તને કર્મહીણા.

લાંબી શી ડોક ને કાંકોલ ચાવતો, ઊંટ જાણી ઘણો ભાર લાદે,

આજ અમૃત જમે હરખે હળવો ભમે, વૈકુંઠનાથને નવ આરાધે.

પીઠ અંબાડી ને અંકુશ માર સહી, રેણું ઉડાડતો ધરણી હેઠો,

આજ યુવા ચંદન અંગ આભ્રણ ધરી, વેગે જાય છે તું વે’લ બેઠો.

અન્ન ને વસ્ત્ર ને ભૂષણ સર્વ જે તેહનો તુજને હતો ઉધારો,

નરસૈયાંના સ્વામીએ સર્વ સારું કર્યું, તે પ્રભુને તમે કાં વીસારો.

 

હળવે હળવે હળવે

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;

મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

 

કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,

લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

 

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,

ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,

 

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,

જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

 

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,

મળિયો મળિયો મળિયો, મુને નરસૈંયાનો સ્વામી રે.

 

હરિરસ ગાવા ને જે મળે ખાવા

હરિરસ ગાવા ને જે મળે ખાવા, હરિની ઈચ્છાનો સંતોષ લાવી,

કરમચા ભોગ તે ભોગવ્ય છૂટકો, નીપજે સર્વથા હોય ભાવી. – હરિરસ. ૧.

 

ઘેર દારા એક સુંદરી સાધવી, હરિ-જશ તેહને અધિક વહાલા,

નહીં કોઈ વેધ-વિચાર મનમાં ધરે, ન લહે, પરપંચ અસ્ત્રીના ચાલા – હરિરસ. ૨.

 

એક છે પુત્રને એક પુત્રી થઈ, જેનું મામેરું કરશે લક્ષ્મીનાથ,

સુત તણુ નામ તે દાસ શામળ ધર્યું, વુહવામાં કૃષ્ણજી રહેશે સાથે. – હરિરસ. ૩.

 

દ્વાદશ વરસ થયા છે કુંવરને, કામિની આવી ઊભી કંથ પાસે,

‘આપણું ઘર તે આદ્ય મોટુ સદા, નિર્ધન વિહવા કેમ થાશે ? ‘ – હરિરસ. ૪.

 

‘દુઃખ મ ધર ભામિની ! વાત સુણ કામિની, પૂરશે મનોરથ કૃષ્ણકામી

ધ્યાન ધર કૃષ્ણનુ, રાખ મન પ્રસન્ન તું સહાય થાશે નરસૈયાનો સ્વામી.’ – હરિરસ. ૫.

 

 

હારને કાજે નવ મારીએ

 

હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ‚

હઠીલા હરજી અમને‚

માર્યા રે પછી રે મારા નાથજી‚ બહુ દોષ ચડશે તમને…

એવા હારને કાજે નવ મારીએ…

 

હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ‚ હાર તમે લાવોને વ્હેલા‚

માંડલિક રાજા અમને મારશે‚ દિવસ ઊગતાં પહેલાં…

એવા હારને કાજે નવ મારીએ…

 

હે જી વ્હાલા ! નથી રે જોતો હીરાનો હારલો‚ વેગે તમે ફૂલડાંનો લાવો‚

દયા રે કરીને દામોદરા‚ દાસને બંધનથી છોડાવો…

એવા હારને કાજે નવ મારીએ…

 

હે જી વ્હાલા ! કાં તો રે માંડલિકે તું ને લલચાવિયો‚ કાં તો ચડિયલ રોષો‚

કાં તો રે રાધાજીએ તું ને ભોળવ્યો‚ કાં તો મારા કરમનો રે દોષો…

એવા હારને કાજે નવ મારીએ…

 

હે જી વ્હાલા ! દાસ રે પોતાનો દુઃખી જોઈને‚ ગરૂડે ચડજો ગિરધારી‚

હાર રે હાથોહાથ આપજો રે‚ મ્હેતા નરસૈંના સ્વામી…

એવા હારને કાજે નવ મારીએ…

 

હાં રે દાણ માગે કાનુડો

હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે

હાં રે તારી મોરલીના બોલ વાગે … કાનો દાણ માંગે.

હાં રે કાન કિયા મુલકનો સૂબો,

હાં રે મારા મારગ વચ્ચે ઊભો … કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો રસિયો,

હાં રે મારા મારગ વચ્ચે વસિયો … કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો દાણી,

હાં રે મારી નવરંગ ચુંદડી તાણી … કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો મહેતો,

હાં રે મારા મારગ વચ્ચે રહેતો … કાનો દાણ માંગે

હાં રે કાન જળ જમુનાને આરે,

હાં રે એમાં કોણ જીતે કોણ હારે … કાનો દાણ માંગે

હાં રે કાન નથી સાકર નથી મેવા,

હાં રે ખાટી છાશમાં શું આવ્યો લેવા … કાનો દાણ માંગે

હાં રે મહેતા નરસિંહના સ્વામી મુરારિ,

હાં રે તમે લૂંટો મા દા’ડી દા’ડી … કાનો દાણ માંગે

 

હે કાનુડા તોરી ગોવાલણ

હેં કાનુડા તોરી રે ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે‚

હેં કાનુડા તોરી ગોવાલણ…

 

હરખેં મેં તો ઈંઢોણી લીધી‚ ભરવા હાલી હું તો પાણી રે;

ગાગર ભરોંસે ગોળી લીધી‚ આરાની હું અજાણી રે…

હેં કાનુડા તોરી ગોવાલણ…

 

ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚ દોહ્યાંની હું અજાણી રે;

‚વાછરું ભરોંસે છોકરાંને બાંધ્યા‚ બાંધ્યા છે બહુ તાણી રે…

હેં કાનુડા તોરી ગોવાલણ…

 

રવાઈ ભરોંસે ઘોસરું લીધું‚ વલોવ્યાની હું અજાણી રે‚;

નેતરાં ભરોંસે સાડી લીધી‚ દૂધમાં રેડયાં પાણી રે…

હેં કાનુડા તોરી ગોવાલણ…

 

ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે‚ ઘેલી હું રંગમાં રે’લી રે;

ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી‚ પૂરણ પ્રીત હું પામી રે

હેં કાનુડા તોરી ગોવાલણ…